ભારત સરકારે શનિવારે નિકાસ પર પ્રતિબંધ હોવા છતાં છ પડોશી દેશોમાં 99,500 ટન ડુંગળીની નિકાસની મંજૂરી આપી હતી. સરકારે ખાસ કરીને મધ્ય પૂર્વ અને કેટલાક યુરોપીયન દેશોના નિકાસ બજારો માટે ઉગાડવામાં આવતી 2,000 ટન સફેદ ડુંગળીની નિકાસને પણ મંજૂરી આપી હતી.
સરકારે દેશમાં ડુંગળીની ઉપલબ્ધતાને જાળવી રાખવા માટે 8 ડિસેમ્બર, 2023ના રોજ ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો, પરંતુ પડોશી દેશોમાં નિકાસને છૂટ અપાઈ છે.
સત્તાવાર નિવેદનમાં ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયે જણાવ્યું હતું કે સરકારે “બાંગ્લાદેશ, યુએઈ, ભૂટાન, બહેરીન, મોરેશિયસ અને શ્રીલંકા સહિતના છ પડોશી દેશોમાં 99,150 ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે.”
આ દેશોમાં ડુંગળીની નિકાસ કરતી એજન્સી નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ (NCEL) એલ1ના ભાવે ઈ-પ્લેટફોર્મ મારફત નિકાસ કરશે. દેશમાં ડુંગળીના સૌથી મોટા ઉત્પાદક તરીકે મહારાષ્ટ્ર નિકાસ માટે NCELને ડુંગળીનો મુખ્ય સપ્લાયર છે,
માર્ચ મહિનામાં ડુંગળીના ઉત્પાદન માટે કેન્દ્રીયકૃષિ મંત્રાલયે જારી કરેલા ડેટા મુજબ 2023-24ના વર્ષમાં ડુંગળીનું ઉત્પાદન આશરે 254.73 લાખ ટન રહેવાનો અંદાજ છે. આની સામે ગયા વર્ષે ઉત્પાદન 302.08 લાખ ટન રહ્યું હતું. મહારાષ્ટ્રમાં ઉત્પાદનમાં 34.31 લાખ ટન કર્ણાટકમાં 9.95 લાખ ટન, આંધ્રપ્રદેશમાં 3.54 લાખ ટન અને રાજસ્થાનમાં 3.12 લાખ ટનનો ઘટાડો થવાનો અંદાજ છે.
Comments